મિતેષ દરજી – દેશની શાન

અબડાસા તાલુકાના વાયોર ગામના યુવાન મિતેષ મનજી દરજી હાલમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટર ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર 141 બટાલિયનમાં તૈનાત છે અને દેશ માટે ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. તેઓ છેલ્લા 21 વર્ષથી દેશની સેવામાં નિર્ભયતાથી અને નીડરતાથી સરહદ પર સેવા આપી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

મિતેષ દરજી બાળપણથી જ દેશસેવાનો સંકલ્પ ધરાવતા હતા. માતા-પિતાની રાજીથી તેઓ ભારતીય સેનામાં જોડાયા બાદ ફિરોઝપુર (પંજાબ), અરુણાચલ પ્રદેશ, નાસિક (મહારાષ્ટ્ર), પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ), લદાખ અને કઠુઆ જેવા દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવી ચુક્યા છે. તેમણે ચીન બોર્ડર જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં પણ ફરજ બજાવી છે, જ્યાંનું તાપમાન હંમેશા માઈનસમાં રહે છે.

ગાર્ડ પથકના નિવૃત જવાનો જાડેજા મહિપતસિંહ, વિક્રમસિંહ અને વણરાજસિંહે જણાવ્યું કે, “દેશથી મોટો કોઈ ધર્મ નથી, અને અમારી શાન છે તિરંગો.”

વાયોર ગામના લોકો માટે મિતેષ દરજી કેવળ એક આર્મી જવાન નહિ પરંતુ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે, જેમના દેશપ્રેમ અને સમર્પણ ભાવના ગૌરવવંતી વારસાગાથા બની રહી છે.